સુના સરવરીયા¶
સુના સરવરીયા ને કાંઠડે હું
બેડલું મેલીને ન્હાવા ગઇ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી.
હું તો મન માં ને મન માં મુંઝાણી મારી સૈ,
શું રે કહેવું રે મારે માવડી ને જૈ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી.....સુના સરવરીયા.....
કેટલુંયે કહ્યું પણ કાળજુ ના કોર્યું
ને ચોરી ચોરી ને એણે બેડલું ચોર્યું
ખાલીખમ બેડલાથી વળે ના કંઇ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી.....સુના સરવરીયા.....
નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી
ને બેડલા નો ચોર મારે કેમ લેવો ખોળી
દઇ દે મારું બેડલું મારા દલડા ને લૈ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી.
સુના સરવરીયા ને કાંઠડે હું
બેડલું મેલીને ન્હાવા ગઇ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી...