Skip to content

સૈયર વનરા તે વનમાં વેણું વાગી

વાયો વાયો રે વાયો વાસંતી વાયરો
લાયો લાયો રે લાયો
વન વનની મ્હેંક મીઠી લાયો રે
ઝૂલ્યો ઝૂલ્યો રે એ તો પાંપણને પારણે
હૈયાની કુંજે જુંજે
મનગમતો રંગ શો રેલાયો રે

સૈયર વનરા તે વનમાં વેણું વાગી
હું તો ભર રે નીંદરડીમાં
મધ રે રાતલડીમાં હો ઝબકીને જાગી રે
વેણું વાગી...
સૈયર વનરા તે વનમાં વેણું વાગી

સૈયર આંબે તે મંજરી મ્હોરી રહી
અલી પલ્લવને પુંજપુંજ છૂપી કોયલડી
હો ટહુકવાને લાગી રે
વેણું વાગી...
સૈયર વનરા તે વનમાં વેણું વાગી

રજની રાણી ઝરે મીઠી સુગંધ
જાઈ જૂઈ કેતકીને હૈયે ના બંધ
કોને તે કાજ વહે સૌરભના ભાર
કહે એવું કોણ તે સુહાગી રે
વેણું વાગી...
સૈયર વનરા તે વનમાં વેણું વાગી

હૈયાની વાત સખી ના રે કહેવાય!
અંતરની આંખ અલી શેં રે ખોલાય?
મનનો મધુપ મારો ગુનગુનગુન ગુંજતો
હો કિયા ફૂલનો રાગી રે
વેણું વાગી...
સૈયર વનરા તે વનમાં વેણું વાગી

સૂર સુધારસની સરવાણી
મોહકવાણી ભુલવે શું ભાન
મીઠા કૈં અજંપમાં મનનો મયૂર બોલે
એનાં તે સૂર એનાં તે રાગની રે તાન

એવા રાગની સરવાણી અંગેઅંગમાં મલકાય!
કોરી હૈયાની ગાગરડી છલોછલ્લ રે છલકાય!

કેવાં સૂર! કેવી તાન! નર્તે ભોમ, વ્યોમ વિતાન
રેલે રંગ, રેલે રાગ, લહેરે દિવ્ય શો અનુરાગ

ઘેરા તે સૂર સખી ના રે ઝીલાય
હૈયાના દ્વાર આજ ના રે ભીડાય
કોકીલ ના, કીર ના, કે પાળ્યું પળાય મંન
હો મારી ભ્રમણા ભાંગી રે
વેણું વાગી...
સૈયર વનરા તે વનમાં વેણું વાગી