Skip to content

માએ ગરબો કોરાવ્યો

આરાસુરની અંબિકા, તન ઝૂલે હીંડોળા ખાટ,
અવનીના દરબારમાં રમવા નીસર્યા માત.

મા એ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે,
સજી સોળ રે શણગાર, મેલી દિવડાં કેરી હાર.
...હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

ગબ્બરની લઇ માંડવી માથે ઘૂમતી મોરી માત
ચુંદલડીમાં ચમકે ઝાઝી રૂપલે મઢી રાત.
જોગમાયાને અંગ નર્યો નીતરે ઉમંગ
રમે જોગણીયો સંગ રૂડો અવસરનો રંગ

માએ પાથર્યો પરકાશ ચૌદ લોકમા રે
...હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

ચારે જગનો ચડલો માનો સોળ કળાનો વાન
અંબાના અણસારા વીના હાલે નહિ પાન
માના રૂપની નહિ જોડ, એને રમવાનાં બહુ કોડ
માંડે ગરબા કેરી હોડ, રૂડો અવસરનો રંગ

માએ ગરબો ચગાવ્યો ચાચર ચોકમા રે .
...હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે