અંબા અભય પદ દાયિની¶
અંબા અભય પદ દાયિની રે,
શ્યામા સાંભળજો સાદ, અંબા અભય પદ દાયિની
અંબા અનાથની નાથ, અંબા અભય પદ દાયિની
હેમ હિંડોળે હીંચકે રે
હીંચે આરાસુરી માત, અંબા...
સખીઓ સંગાથે કરે ગોઠડી રે
આવે આઠમની રાત, અંબા...
સર્વે આરાસુરી ચોકમાં રે
આવો તો રમીએ રાસ, અંબા...
કોણે બોલાવી મુજને રે
કોણે કર્યો મને સાદ, અંબા...
અંબા અભયપદ દાયિની રે
શ્યામા સાંભળજો સાદ, અંબા...
મધ દરિયે તોફાનમાં રે
માડી ડૂબે છે મારૂ વ્હાણ, અંબા...
કીધી કમાણી શું કામની રે
જાવા બેઠા જ્યાં પ્રાણ, અંબા...
વાયુ ભયંકર ફૂંકતો રે
આ વેરી થયો વરસાદ, અંબા...
પાણી ભરાણાં વ્હાણમાં રે
એ કેમ કાઢ્યા જાય, અંબા...
આશા ભર્યો હું તો આવીયો રે
વ્હાલા જોતાં હશે વાટ, અંબા...
હૈયુ રહે નહિ હાથમાં
આજ દરિયે વાળ્યો દાટ, અંબા...
મારે તમારો આશરો રે
આવો આવોને મોરી માત, અંબા...
અંબા હિંડોળેથી ઊતર્યાં રે
ઊતર્યાં આરાસુરી માત, અંબા...
સખીઓ તે લાગી પૂછવા રે
તમે ક્યાંરે કીધાં પરિયાણ, અંબા...
વાત વધુ પછી પૂછજો રે
આજ બાળ મારો ગભરાય, અંબા...
ભક્ત મારો ભીડ પડિયો રે
હવે મારાથી કેમ ખમાય, અંબા...
કેમ કરી નારાયણી રે
સિંહે થયા અસવાર, અંબા...
ત્રિશૂળ લીધું હાથમાં રે
એવું તાર્યું વણિકનું વ્હાણ, અંબા...
ધન્ય જનેતા આપને રે
ધન્ય દયાના નિધાન, અંબા...
પ્રગટ પરચો આપનો રે
ભક્ત જનો વળી ગાય, અંબા...
ભીડ સેવકની ભાંગજો રે
સમયે કરજો સહાય, અંબા...
અંબા અભય પદ દાયિની રે
શ્યામા સાંભળજો સાદ, અંબા...