હે જગ જનની¶
હે જગ જનની, હે જગદમ્બા
માત ભવાની શરણે લે જે
આદ્ય શક્તિ મા આદિ અનાદિ
અરજી અંબા ઉરમાં ધર જે
... હે જગ જનની, હે જગદમ્બા
કોઈના તીર નું નિશાન બની ને
દિલ મારું તું વિંધાવા ના દે જે
ઘા સહુ પણ ઘા કરું નહિ કોઈને
એવી અંબા શક્તિ દે જે
... હે જગ જનની, હે જગદમ્બા
હોય ભલે દુઃખ મેરુ સરખું
રંજ એનો ન મને થાવા દે જે
રજ સરખું દુઃખ જોઈ બીજા નું
રોવા ને બે આંસુ દે જે
... હે જગ જનની, હે જગદમ્બા.
આતમ કોઈનો આનંદ પામે તો
ભલે સંતાપી લે મુજ આતમ ને
આનંદ એનો અખંડિત રેહજો
કંટક દે મને, પુષ્પો તેને
... હે જગ જનની, હે જગદમ્બા
ધૂપ બનું હું સુગંધ તું લે જે
રાખ બની ને ઉડી જવા દે જે
બળું ભલે બાળુ નહિ કોઈ ને
જીવન મારું સુગંધિત કર જે
... હે જગ જનની, હે જગદમ્બા
અમૃત મળે કે ના મળે મુજને
આશિષ અમૃતમય તું દે જે
ઝેર જીવન ના હું પી જાણું
પચાવવાની મને શક્તિ દે જે
... હે જગ જનની, હે જગદમ્બા
દે જે શક્તિ મા ભક્તિ દે જે
દુનિયા ના દુઃખ સહેવા કાજે
દુર્લભ શક્તિ મા તારા ચરણમા
અંબા મુજને તું ખોળે લે જે
... હે જગ જનની, હે જગદમ્બા