Skip to content

જય આદ્યાશક્તિ

જય આદ્યાશક્તિ, મા જય આદ્યાશક્તિ
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં, પડવે પ્રગટ્યાં,
મા જયો જયો મા જગદંબે ...

દ્વિતીયા બેઉ સ્વરૂપ શિવ શક્તિ જાણું,
બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે દર મા

તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠાં,
ત્રયા થકી તરવેણી, તું તરવેણી મા

ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યાં,
ચાર ભુજા ચો દિશા, પગટ્યાં દક્ષિણમાં

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદમા,
પંચ તત્ત્વ ત્યાં સોહીએ, પંચે તત્ત્વો મા

ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો,
નરનારીના રૂપે, વ્યાપ્યાં સઘળે મા

સપ્તમી સપ્ત પાતાળ, સંઘ્યા સાવિત્રી,
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા

અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા,
સુરનર મુનિવર જનમ્યા, દેવો દૈત્યો મા

નવમી નવકુળ નાગ, સેવે નવ દુર્ગા,
નવરાત્રીનાં પૂજન, શિવરાત્રીનાં અરચન,
કીધાં હર બ્રહ્મા

દશમી દશ અવતાર, જય વિજયા દશમી,
રામે રામ રમાડ્યાં, રાવણ રોળ્યો મા

એકાદશી અગિયારસ, કાત્યાની કામા,
કામ દુર્ગા કાલિકા, શ્યામા ને રામા

બારશે બાળા રૂપ બહુચરી અંબા મા,
બટુક ભૈરવ સોહે, કાળ ભૈરવ સોહે,
તારા ચાચરમાં

તેરસે તુળજા રૂપ તું તારુણી માતા,
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતા

ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા,
ભાવ ભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો
સિંહવાહિની મા

પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા,
વસિષ્ઠદેવે વખાણ્યાં, માર્કંડમુનિએ વખાણ્યાં,
ગાઈ શુભ કવિતા

સંવત સોળ સત્તવન, સોળસે બાવીસ મા,
સંવત સોળે પ્રગટ્યાં, રેવાને તીરે,
ગંગાને તીરે

ત્રંબાવટી નગરી આઈ રૂપાવટી નગરી,
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી,
દયા કરો ગૌરી

શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે,
મા જે ભાવે ગાશે,
ભણે શિવાનંદ સ્વામી,
સુખ-સંપત્તિ થાશે,
હર કૈલાશે જાશે,
મા અંબા દુખ હરશે,
ૐ જયો જયો મા જગદંબે ...

જય આદ્યાશક્તિ, મા જય આદ્યાશક્તિ
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં, પડવે પ્રગટ્યાં,
મા જયો જયો મા જગદંબે ...